What’s Hot

More Posts

   The Latest

Most Popular

સોશિયલ મિડિયા પર જાહેરાત જોઇ પરદેશ જવાની મહેચ્છામાં દંપતી છેતરાયું

(પ્રતિનિધિ) નડિયાદ તા.25

નડિયાદમાં રહેતા દંપતીએ સોશિયલ મિડિયા પર જાહેરાત જોઇ વિદેશ જવાની તૈયારી શરૂ કરી હતી. જોકે, આ લાલચમાં અમદાવાદની મહિલાએ તેમની સાથે રૂ.12 લાખની છેતરપિંડી આચરી હતી. આ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નડિયાદ શહેરમાં પીજ રોડ પર આવેલી સંતરામ પાર્ક સોસાયટીમાં મકાન નંબર 9/Aમાં નિશાબેન રીતેશકુમાર પટેલ રહે છે. વર્ષ 2023ના અંતમાં આ નિશાબેન અને તેમના પતિ રીતેશભાઈ બંને પોતાના ઘરે હાજર હતા. તે સમયે પતિ રિતેશકુમારે સોશ્યલ મિડિયામાં વિદેશ જવા માટે એક પ્રાઇવેટ એજન્સીની એડ જોઇ હતી. જે જાહેરાત મારફતે તેમણે દર્શાવેલા નંબર ઉપર ફોન કર્યો હતો. જ્યાં ભૂમિકાબેન મિલનકુમાર જોષી (રહે.અમદાવાદ)ના સંપર્કમાં આવ્યા હતા. આ બાદ આ ભૂમિકાબેને પોતાની અમદાવાદ એસજી હાઈવે પર આવેલ મકરબા પાસેની ઓફીસમાં બોલાવ્યા હતા.

આથી, નિશાબેન અને તેમના પતિ બંને ઉપરોક્ત ઠેકાણે ઓફીસે આવ્યા હતા. જ્યાં આ દંપતી અને ભુમીકાબેન વચ્ચે બેઠક થઈ હતી. આ ભૂમિકાબેને તમામ ડોક્યુમેન્ટો જોઈ વીઝા કરી આપવાની બાહેધરી આપી હતી અને આ કામ માટેના ખર્ચ પેટે રૂપિયા 25 લાખ થશે તેમ કહ્યું હતું. જોકે આ બેઠકમાં બંને પક્ષ વચ્ચે એવું નક્કી થયું હતું કે જો વિઝા નહીં મળે તો લીધેલા રૂપિયા પરત મળશે. આ પછી વિઝાની કામગીરી માટે ટુકડે ટુકડે અલગ અલગ દિવસો દરમિયાન કુલ રૂપિયા 12 લાખ નીશાબેન અને તેમના પતિ દ્વારા ઉપરોક્ત ભુમીકાબેનને આપવામાં આવ્યા હતા. આ આપેલા નાણાં પેટે રસીદ માંગતા આ ભૂમીકાબેને કહ્યું કે, તમામ રૂપિયાની એક સાથે રસીદ આપીશ તેમ કહ્યું હતું. બાદમાં આ ભૂમિકાબેને તેમની ફાઈલ તૈયાર કરી ઇમિગ્રેશનમાં મૂકી હતી. જોકે કોઈ કારણોસર ઈમિગ્રેશનમાંથી આ ફાઈલ રિજેક્ટ થઈ હતી. પરંતુ ભૂમિકાબેનને આશ્વાસન આપી જે તે સમયે વિશ્વાસ જીત્યો હતો અને બાદમાં બીજી વખત વિઝા પ્રોસેસ કરવાની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જોકે આ પછી ભૂમિકાબેન જોષીએ વિઝા પ્રોસેસ બાબતની કોઈપણ પ્રકારની કાર્યવાહીની જાણ કરવાનું બંધ કરી દીધું હતું.

નિશાબેન અને તેમના પતિ દ્વારા આ મહિલાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા ભૂમિકાબેનએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. આ ઉપરાંત તેમની અમદાવાદ એસજી હાઇવે ઉપર આવેલ ઓફિસ પણ બંધ કરી દીધી હોવાની હકીકત સામે આવી હતી અને સંપૂર્ણપણે સંપર્ક વિહોણા થઈ ગયા હતા. આજ દિન સુધી ભૂમિકાબેન જોષીનો કોઈ અત્તોપત્તો ન લાગતા સમગ્ર મામલે નિશાબેન પટેલે નડિયાદ પશ્ચિમ પોલીસમાં ઉપરોક્ત ભૂમિકાબેન જોષી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

To Top